ઐસા ભી હોતા હૈ : એક કિલોમીટર દોડ્યા બાદ ભીડમાં છુ થઇ ગયો, ઇનામી રકમ અપાયા બાદ ધરપકડ કરાઇ
નૈરોબી: કેન્યાના એક એથ્લેટે છેતરપિંડીની તમામ હદ વટાવી દીધી હતી. 26 માઇલની મેરાથોનમાં તે શરૂઆતના એક રાઉન્ડ બાદ ભીડમાં છુપાઇ ગયો હતો અને અંતિમ લેપમાં ફરીથી દોડ્યો હતો. ત્યારબાદ તે બીજા ક્રમનો વિજેતા પણ બન્યો હતો પરંતુ તેની છેતરપિંડી તરત જ પકડાઇ જતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. 28 વર્ષીય જુલિયન જોગૂ સામે કેન્યાની નૈરોબી ઇન્ટરનેશનલ મેરાથોનમાં તેની સામે છેતરપિંડીનો કેસ નોંધાયો છે. ન્યાનો નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ રેસમાં જોગૂએ અન્ય રનર્સને અંતિમ સ્ટ્રેચ પર પછાડીને બીજું સ્થાન હાંસલ કર્યું હતું. તેની ધરપકડ થતા પહેલાં અને ડિસક્વોલિફાય કરતાં પહેલાં તેને સાત હજાર ડોલરની ઇનામી રકમ પણ આપવામાં આવી હતી.
રેસના આયોજકોએ જણાવ્યું હતું કે જોગૂને કોઇ પણ પ્રકારનો થાક લાગ્યો નહોતો તે જોઇને અમને શંકા ગઇ હતી. 42 કિલોમીટર (26 માઇલ) દોડ્યા બાદ પણ તેને સહેજ પણ પરસેવો થયો નહોતો. શરૂઆતના એક કિલોમીટરની દોડ લગાવ્યા બાદ તે અંતિમ લેપમાં સ્ટેડિયમની બહારથી રનર્સના ગ્રૂપ સાથે જોડાઇ ગયો હતો. જોશુઆ કિપકોરિર આ મેરાથોનનો વિજેતા રહ્યો હતો. તેણે બે કલાક 13 મિનિટ 25 સેકન્ડમાં આ રેસ પૂરી કરી હતી. વિમેન્સ વર્ગમાં એલિઝાબેથ રુમોકોઇએ બે કલાક 29 મિનિટ 32 સેકન્ડમાં રેસ જીતી લીધી હતી. નોંધનીય છે કે 2013માં બે મહિલા એથ્લેટને નૈરોબી મેરાથોનમાં છેતરપિંડીના કારણે ડિસ્કોલિફાઇ કરી દેવામાં આવી હતી. આયોજક ઇબ્રાહિમ હુસૈને જણાવ્યું હતું કે આધુનિક યુગમાં પણ એથ્લેટ છેતરપિંડી કરે છે તે જાણીને નિરાશા થઇ છે. અમે શરૂઆતથી અંત સુધી તમામ ખેલાડીઓ પર નજર રાખી છે અને જોગૂ ક્યાંય દેખાયો નથી.